Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજનું બંધારણ પડકારે છે ભારતીય બંધારણને

દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજનું બંધારણ પડકારે છે ભારતીય બંધારણને

0
1680

દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજના લોકો દ્વારા સમાજ સુધારણાને લઈને સમાજનું બંધારણ બનાવ્યું છે. આ બંધારણમાં કેટલાક નિયમો એવા પણ છે જે સમાજને આગળ લાવવાની જગ્યાએ પાછળ ધકેલી શકે છે. તો કેટલાક એવા પણ નિયમ બનાવ્યા છે જેમાંની સમાજના લોકોની આંશિક પ્રગતિ થઈ શકે છે. સમાજે ખોટા ખર્ચાઓ ઉપર કામ મૂકવાના અને કેટલીક જૂની પરંપરાઓ પર બ્રેક મારવાનો અદ્દભૂત નિર્ણય લીધો છે

પરંતુ 21મી સદીમાં લોકો ટેકનોલોજી સહિત બાળકોને આગળ વધારી રહ્યાં છે, તેવામાં ઠાકોર સમાજ દ્વારા 18 વર્ષથી નાની યુવા સગીરાઓ પર મોબાઈલના ઉપયોગનો પ્રતિબંધ લગાવી દીધો છે. હાલમાં ઘણી બધી કોલેજોએ સોશિયલ મીડિયને લઈને સબ્જેક્ટ શરૂ કર્યા છે, તેવામાં ઠાકોર સમાજ દ્વારા એક વખત ફરીથી બાળકીઓને અજ્ઞાનતા તરફ દોરવાનો નિર્ણય લઈ લીધો છે.

ઠાકોર સમાજ દ્વારા બનાવેલા પોતાના બંધારણનો એક નિયમ એવો છે, જે સીધે-સીધો ભારતીય બંધારણનું અપમાન કરતું અને બાળકોના સ્વતંત્ર પર તરાપ મારતું દેખાઈ રહ્યું છે. આ નિયમ અનુસાર જો બાળકી અન્ય કોઈ સમાજના કે, મા-બાપના વિરૂદ્ધમાં જઈને તેના પસંદના પાત્ર સાથે લગ્ન કરશે તો સમાજને દોડ લાખ રૂપિયાનું દંડ ચૂકવવું પડશે. તેવી જ રીતે જો છોકરો પોતાના પંસદની અન્ય કોઈ છોકરી સાથે લગ્ન કરે તો તેના પિતાને સમાજને દંડ રૂપે બે લાખ રૂપિયા ચૂકવવા પડશે. આમ આ નિયમ આપણા બંધારણના નિયમ સહિત દેશની સ્વતંત્રતા અને અખંડિતતાને પણ પડકારે છે. તેવામાં સરકારે ઠાકોર સમાજ દ્વારા બનાવેલા નિયમોને લઈને ધ્યાન આપવું જોઈએ. આ બે નિયમો એવા છે, જે બાળકોની સ્વતંત્રતા ઉપર તરાપ છે અને સમાજમાં ભાગલા પાડનાર સાબિત થઈ શકે છે.

તે ઉપરાંત તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા, સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા, મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં, વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં તેવા સારા નિયમો પણ બનાવ્યા છે જે ખોટા ખર્ચમાં ઘટાડો કરશે.

ઉલ્લેખનિય છે કે, દાંતીવાડાના જેગોલમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં બાર ગામના ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને બંધારણ ઉપર આગેવાનો દ્વારા થપ્પો લગાવવામાં આવ્યો હતો.