Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સાબરમતી રેલવે સ્ટેશને કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

સાબરમતી રેલવે સ્ટેશને કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

0
72
  • આજે આ સેન્ટરમાં 25 દર્દીઓને દાખલ કરાયા

  • સીમ્ટોમેટીક તતા માઇલ્ડ સીમ્ટોમેટીક દર્દીઓને તબીબી સારવાર હેઠળ રખાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનમાં આવેલા કાલુપુર રેલવે સ્ટેશન પર છેલ્લાં સાતેક દિવસથી ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટેસ્ટીંગ દરમિયાન મળી આવતાં પોઝિટિવ દર્દીઓની તબીબી સારવાર માટે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે કોવીડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મદદથી પશ્ચિમ રેલ્વેના ડીઆરએમ દ્રારા સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આવેલી ડીઝલ ટ્રેનીંગ સેન્ટર ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટરમાં મેડિકલ સુવિધા ઉપરાંત બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ કોવીડ કેર સેન્ટરમાં આજે 25 દર્દીઓને દાખલ કરીને પ્રારંભ કરાયો હતો.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. કોરોનાના દર્દીઓને આઇસોલેશનમાં રાખવા તથા તેઓને જરૂરી તબીબી સારવાર પુરી પાડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કોવિડ કેર સેન્ટર તેમ જ કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે છેલ્લાં ઘણાં સમયથી કોરોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં પોઝિટિવ મળી આવતાં દર્દીઓમાંથી સિમ્ટોમેટીક તથા માઇલ્ડ સિમ્ટોમેટીક દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં તબીબી સારવાર હેઠળ રાખવામાં આવશે.

આ પણ વાંચો: રવિવારે ચાર ટ્રેનોમાં આવેલા મુસાફરોમાં કુલ 41 કોરોના પોઝિટિવ કેસ મળ્યા

માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 14 દૂર, 11 ઉમેરાયા

અમદાવાદ શહેરમાં આજે કુલ 384 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં 14 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. તેથી કુલ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સંખ્યા 370 થઇ હતી. જો કે આજે 11 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉમેરો થતાં વળી પાછી માઇક્રો કન્ટેઇન્મેન્ટ કુલ વિસ્તારોની સંખ્યા 381 પર પહોંચી છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૈથી વધુ 4, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ ઝોનમાં 2 અને ઉત્તર તથા પૂર્વ વિસ્તારમાં એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં નારણપુરા, સાબરમતી, સ્ટેડિયમ, ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારનો સમાવેશ થાય છે.