Gujarat Exclusive > દેશ-વિદેશ > Covid-19: 7 દિવસમાં ટોચના 4 દેશો કરતાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં

Covid-19: 7 દિવસમાં ટોચના 4 દેશો કરતાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં

0
28

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. વિશ્વના સૌથી વધુ કેસ સામે આવનારા 30 દેશોમાંથી એક અઠવાડિયા દરમિયાન ભારતમાં સૌથી વધુ નવા કેસ (Corona Case) નોંધાયા છે. ભારતમાં સામે આવેલા કેસ અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને પેરુમાં વધેલા કેસો કરતાં પણ વધુ છે.

વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. જ્યારે બ્રાઝીલ ત્રીજા નંબરે, રશિયા ચોથા ક્રમે અને પેરુ પાંચમા ક્રમે છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, આ અઠવાડિયે ભારતમાં 16 ટકા સંક્રમણના કેસ વધ્યાં છે. જે સૌથી વધું છે.

આ પણ વાંચો: કોરોના સામે જંગને મોટો ફટકો! ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ વૅક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

રિપોર્ટ અનુસાર, 31 ઓગસ્ટ બાદ 7 સપ્ટેમ્બર સુધી ભારતમાં 5,83,368 સંક્રમણના કેસો વધ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન અમેરિકામાં 2,47,099 કેસ, બ્રાઝીલમાં 2,29,249 કેસ, રશિયામાં 34,932 અને પેરુમાં 42,811 લોકો સંક્રમિત થયા છે.

જો આ દેશોમાં એક સપ્તાહ દરમિયાન સામે આવેલા કેસોના વધારાને જોડીએ તો, તે 5,54,091 થઈ જાય છે. જે ભારતના સાપ્તાહિક વધારાથી ઘણી ઓછી છે.

કઝાખસ્તાનમાં સૌથી ઓછા કેસ વધ્યા
વિશ્વભરમાં એક લાખથી વધુ સંક્રમિતોની સંખ્યા ધરાવતા 30 દેશો છે. આ દેશોમાં 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર વચ્ચે કઝાખસ્તાનમાં સૌથી ઓછા 489 કેસ જ વધ્યાં છે. આ સિવાય આ દરમિયાન કતારમાં 1,317 અને પાકિસ્તાનમાં 3054 કેસ સામે આવ્યા છે. આ બન્ને દેશોમાં કેસોમાં વધારો લગભગ 1 ટકા રહ્યો છે. જ્યારે આ મુદ્દતમાં ભારતમાં 16 ટકા કેસો વધ્યાં છે.

વિશ્વના સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 દેશોમાં ભારતનો મૃત્યુદર સૌથી ઓછો છે. વેબસાઈટ વર્લ્ડોમીટરના આંકડા પર નજર નાંખીએ તો, 7 સપ્ટેમ્બરે ભારતમાં સૌથી ઓછા 1.70 ટકા મૃત્યુદર હતો. જ્યારે આ જ દિવસે અમેરિકામાં 2.99 ટકા, બ્રાઝીલમાં 3.06 ટકા, રશિયામાં 1.73 ટકા, પેરુમાં 4.32 ટકા, કોલંબિયામાં 3.21 ટકા, દક્ષિણ આફ્રિકામાં 2.33 ટકા, મેક્સિકોમાં 10.65 ટકા, સ્પેનમાં 5.69 ટકા અને આર્જેન્ટિનામાં 2.05 ટકા મૃત્યુદર નોંધવામાં આવ્યો છે.

ભારત કેટલાક દેશો કરતાં પાછળ
ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત 60 હજારથી વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાં છે. આમ છતાં વિશ્વના સૌથી વધુ સંક્રમિત 10 દેશોમાં ભારતમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ બ્રાઝીલ, રશિયા, કોલંબિયા અને દક્ષિણ કોરિયા કરતાં પાછળ છે.

વેબસાઈટ વર્લ્ડોમીટરના આંકડા મુજબ, અમેરિકામાં 57.67 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં 77.31 ટકા, બ્રાઝીલમાં 80.17 ટકા, રશિયામાં 81.82 ટકા, પેરુમાં 74.64 ટકા, કોલંબિયામાં 77.75 ટકા, દક્ષિણ આફ્રિકામાં 88.13 ટકા, મેક્સિકોમાં 69.75 ટકા અને આર્જેન્ટિનામાં 72.92 ટકા કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે વેબસાઈટ પર સ્પેનમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.