Gujarat Exclusive > દેશ-વિદેશ > Corona Case Update: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર

Corona Case Update: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર

0
75

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,123 જેટલા નવા કેસ (Corona Positive Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1290 દર્દીઓના મરણ નોંધાયા છે.

આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 50,20,360 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી 82,066 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

જો કે રાહતની વાત એ છે કે, કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો 39 લાખથી પાર પહોંચ્યો છે. અત્યાર સુધી 39,42,361 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. મંગળવારે 82,844 લોકોને સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ આંકડો કોઈ એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે.

આ સાથે જ બે દિવસમાં રિકવરી રેટ પણ 0.45 ટકા વધવાની સાથે 78.45 ટકા પર પહોંચ્યો છે. હાલ દેશમાં કોરોનાના 9,95,933 એક્ટિવ કેસો છે.

કોરોનાના કેસોમાં 50 લાખનો આંકડો પાર કરવા સાથે ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ કરતાં વધુ છે. કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં છે, જ્યાં સૌથી વધુ મોત પણ નોંધાયા છે. સૌથી વધુ મરણ મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. હાલ બ્રાઝીલ સૌથી વધુ કેસ મામલે ત્રીજા અને સૌથી વધુ મરણ બાબતે વિશ્વમાં ત્રીજા ક્રમ પર છે.

આ પણ વાંચો: NIAનું ગોધરામાં સફળ ઓપરેશન, ISI માટે જાસૂસી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે, 15 સપ્ટેમ્બર સુધી કોરોના વાઈરસના કુલ 5.93 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ તો માત્ર ગઈકાલે જ કરવામાં આવ્યું છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટ 7 ટકાથી નીચે છે.

કોરોનાથી પ્રભાવિત દેશના મુખ્ય રાજ્યોમાં શું છે સ્થિતિ?
→ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 20,482 નવા કેસ નોંધાયા. આ સાથે જ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,97,856 પર પહોંચી ચૂકી છે. જ્યારે 30,409 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

→ દિલ્હીમાં ગત એક જ દિવસમાં કોરોનાના 4263 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 36 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2,25,796 પર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી કુલ 4806 લોકોને જીવલેણ કોરોના વાઈરસ ભરખી ચૂક્યો છે.

→ ઉત્તર પ્રદેશમાં મંગળવારે 6,895 નવા પોઝિટિવ કેસ અને રેકોર્ડ 113ના મરણ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના 67,335 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 4606ના મોત થયા છે.

→ બિહારમાં મંગળવારે 1575 નવા કેસો સામે આવ્યાં છે. આમ અહીં અત્યાર સુધી 1,61,101 કોરોના સંક્રમિતો નોંધાયા છે. જ્યારે કુલ 836 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.