Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખની પાર, કુલ 80 હજારથી વધુના મોત

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખની પાર, કુલ 80 હજારથી વધુના મોત

0
57

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ (Corona Virus) થી સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 83,809 નવા પોઝિટિવ કેસ (Corona Positive Case) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1,054 લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસો ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 49,30,237 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે 80,776 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જો કે રાહતની વાત એ રહી છે કે, અત્યાર સુધીમાં 38,59,400 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. એટલે કે, આટલા દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવારે જ 79,113 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

સોમવારે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર અને તેલંગાણામાંથી એક સારા સમાચાર સામે આવ્યાં છે. જ્યાં 24 કલાકની અંદર સંક્રમિતોની સંખ્યા કરતાં સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો વધ્યો છે. હાલ દેશમાં 9,90,061 એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો: ભારતની અર્થ વ્યવસ્થા પર ચીનની નજર, હવે સ્ટાર્ટઅપ્સ અને પેમેન્ટ-ડિલીવરી એપ્સની જાસૂસી

કોરોનાગ્રસ્ત દેશના મુખ્ય રાજ્યોની સ્થિતિ
→ મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 17,066 નવા કેસ સામે આવ્યાં છે અને વધુ 257ના મરણ નોંધાયા છે. જેની સામે 15,789 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 10,77,374 પર પહોંચી ચૂકી છે. જ્યારે 2,91,256 કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

→ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3229 નવા કેસો સામે આવ્યાં છે અને વધુ 26 લોકોના મરણ થયા છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોના કેસોનો આંકડો વધીને 2,21,533 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે કુલ મોતનો આંકડો 4770 પર પહોંચ્યો છે. સોમવારે 3374 દર્દીઓ સ્વસ્થ થવા સાથે જ અહીં અત્યાર સુધીમાં 1,88,122 દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

→ ઉત્તર પ્રદેશમાં સોમવારે 5,159 નવા કેસ સામે આવ્યાં છે. જો કે રાહતની વાત એ રહી કે, નવા કેસ કરતાં વધુ લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. 24 કલાકમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 5932 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ રાજ્યમાં અત્યાર સુધી 3,17,195 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે 4491 દર્દીઓના મોત થયા છે. હાલ રાજ્યમાં 67,287 એક્ટિવ કેસ છે.

→ બિહારમાં સોમવારે સંક્રમિતો કરતાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધી છે. સોમવારે 1,137 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સામે 1966 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 1,59,526 કેસો સામે આવી ચૂક્યાં છે, જ્યારે 831 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ સંક્રમિતોની સંખ્યામાંથી 1,45,019 લોકો સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે, 14 સપ્ટેમ્બર સુધી કોરોના વાઈરસના કુલ 5.83 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 11 લાખ કોરોના ટેસ્ટિંગ તો માત્ર ગઈકાલે જ કરવામાં આવ્યાં છે.

મૃત્યુદર ઘટ્યો, રિકવરી રેટ સુધર્યો
ભારત માટે રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા તઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ, એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ઘટીને 20 ટકા થઈ ગયો છે.

આ સાથે જ રિકવરી રેટ, એટલે કે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો દર પણ વધીને 78 ટકા પર પહોંચ્યો છે. આ રિકવરી રેટ સતત વધી રહ્યો છે.