Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં કોરોના બેકાબૂ, 100થી વધુ તબીબો સંક્રમિત થતાં તંત્ર હરકતમાં

રાજકોટમાં કોરોના બેકાબૂ, 100થી વધુ તબીબો સંક્રમિત થતાં તંત્ર હરકતમાં

0
55

રાજકોટ: કોરોના સંક્રમિતોની સારવારમાં ખડેપગે ફરજ બજાવતા ડૉક્ટરો હવે ખુદ જીવલેણ વાઈરસથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજકોટમાં 100થી વધુ ડૉક્ટરોના કોરોના સંક્રમિત થયા હોવાની વાત સામે આવી છે. જે બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.

આ સ્થિતિને જોતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાજકોટ યુનિટે એલર્ટ આપ્યું છે. IMA-રાજકોટે કોવિડ અને નૉન કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

પ્રથમ અમદાવાદ પછી સુરત અને હવે રાજકોટમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના દર્દીઓના મોતના આંકડાએ પણ વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. મોટી સંખ્યામાં ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે.

આઈએમએના રાજકોટ એકમના પ્રમુખ ડૉ જય ધીરવાણીએ જણાવ્યું કે, રાજકોટમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દર્દીઓના મોતનો આંકડો પણ ઓછો નથી થઈ રહ્યો. આ બધા વચ્ચે એસોસિએશન સાથે સંકળાયેલા 100થી વધુ ડૉક્ટરોપણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી કેટલાક તબીબોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો કેટલાક ડૉક્ટરો હોમ આઈસોલેશનમાં છે. આ તમામ ડૉક્ટરો જલ્દી સ્વસ્થ થાય તે માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  LAC પર તનાવ વચ્ચે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક

અગાઉ બે મહિના પહેલા IMAએ મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે શહેરો માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે એક મહિના અગાઉ સુરત અને દોઢ મહિના પહેલા અમદાવાદને પણ આજ પ્રકારની ચેતવણી આપી હતી. હવે રાજકોટમાં સ્થિતિ વણસી રહી છે.

આથી રાજકોટ માટે પણ એલર્ટ ઈસ્યૂ કરવું જરૂરી બની ગયું છે. આ એલર્ટ અંતર્ગત તમામ ડૉક્ટરોએ 6 ફૂટનું અંતર જાળવવું પડશે. દર બે કલાકે હાથ સેનેટાઈઝ કરવા, એન-95 માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવું અને OPDમાં દર્દીને તમામ તકેદારી સાથે અંદર આવવા સહિતના અન્ય ઉપાયો સામેલ છે.

તમામની તપાસ જરૂરી
IMAએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, કોઈ પણ બીમારી માટે જો કોઈ દર્દી દાખલ થાય છે. તો તેને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે. ડૉક્ટરો PPE કિટ જરૂર પહેરે. હોસ્પિટલની અંદર દર્દીઓ સાથે એકથી વધુ સબંધીઓને પ્રવેશ ના આપવો જોઈએ. ભીડ એકઠી થતા અટકાવે. ઓપરેશન પહેલા થનારી નાસ્તા પાર્ટીને બંધ કરે. એસોસિએશન દ્વારા ડૉક્ટરોને ખુદ ઈમ્યુનિટી પવાર વધારવાના ઉપાયો પર ભાર મૂકવા જણાવ્યું છે.

અમદાવાદથી ડૉક્ટરો બોલાવ્યા
રાજકોટમાં 100થી વધુ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત થયા બાદ વહીવટી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત કોવિડ હોસ્પિટલમાં અમદાવાદથી 70 તબીબોની ટીમને બોલાવવામાં આવી છે. જેઓ અહીં ફરજ બજાવી રહ્યાં છે.

રાજકોટની સરકારી કચેરીઓ બની કોરોના હોટસ્પોટ
શહેરની સરકારી કચેરીઓમાંથી પણ કોરોનાના અનેક પોઝિટિવ કેસો મળી રહ્યાં છે. અહી અંદાજે 3-4 બેંકો ઉપરાંત પોસ્ટ ઓફિસ, ગુજરાત ઈલેક્ટ્રિક બોર્ડ, કલેક્ટર કચેરી અને પાલિકાના અનેક કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે.

જે બાદ કલેક્ટરે તમામ કાર્યાલયોને તકેદારી દાખવવા માટે હાઈ એલર્ટ જારી કર્યું છે. માસ્ક વિના અવરજવર પર રોક લગાવવા સહિત સતત ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.