Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 95 હજારથી વધુ નવા કેસ

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 95 હજારથી વધુ નવા કેસ

0
51

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ (Corona Virus)ના સંક્રમિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. વિશ્વના 54 ટકા (અંદાજિત 1.52 કરોડ) કેસો (Corona Positive Case) અમેરિકા, ભારત અને બ્રાઝીલમાંથી સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે વિશ્વના 44 ટકા (અંદાજિત 3.99 લાખ) લોકોના મોત પણ આજ ત્રણ દેશોમાં નોંધાયા છે. આજ રીતે 54 ટકા (અંદાજિત 1 કરોડ) દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 95,723 નવા કેસ મળી આવ્યાં છે. જે અત્યાર સુધી એક દિવસમાં મળી આવેલ પોઝિટિવ કેસોનો સૌથી મોટો આંકડો છે. અગાઉ 6 સપ્ટેમ્બરે સૌથી વધુ 93,723 નવા કેસો નોંધાયા હતા.

આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 44,65,864 પર પહોંચી ચૂકી છે. જ્યારે 24 કલાકમાં વધુ 1172 લોકોના મરણ સાથે દેશમાં કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા વધીને 75,062 પર પહોંચી ચૂકી છે.

જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, તે હવે વિશ્વનો એવો બીજો દેશ બની ગયો છે. જ્યાં સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ પ્રમાણે, અહીં અત્યાર સુધીમાં 34,71,784 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. એટલે કે આટલા લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આમ કોરોનાના રિકવરી મામલે ભારત બીજા ક્રમે અને બ્રાઝીલ ત્રીજા નંબરે પહોંચી ગયું છે. દેશમાં હાલ 9,19,018 કોરોનાના એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો: શું કંગના સાથે વિવાદ શિવસેનાને ભારે પડ્યો? શરદ પવાર CM ઉદ્ધવ ઠાકરેને મળ્યાં

મહારાષ્ટ્રમાં બુધવારે 23,577 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે અને વધુ 380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 9,67,349 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 27,287 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે રેકોર્ડ બ્રેક 4,039 નવા કેસ સામે આવ્યા છે. આમ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા પણ 2 લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી દિલ્હીમાં 2,01,174 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4,638 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં 24 કલાકને અંદર 6568 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,85,041 પર પહોંચી ગયો છે અને 4112 દર્દીઓને કોરોના ભરખી ચૂક્યો છે.

બિહારમાં બુધવારે કોરોનાના 1498 નવા કેસ સામે આવ્યા છે અને વધુ 10 દર્દીઓના મોત થયા છે. બિહારમાં આમ અત્યાર સુધી 1,52,192 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને કુલ 775 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

5.29 કરોડથી વધુ કોરોના ટેસ્ટ
ICMRના જણાવ્યા પ્રમાણે, 9 સપ્ટેમ્બર સુધી કોરોના વાઈરસના કુલ 5 કરોડ 29 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાં બુધવારે જ 11 લાખ સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતા.

મૃત્યુદર ઘટ્યો, રિકવરી રેટ વધ્યો
ભારત માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો આવી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થઈ ગયો છે. આ સિવાય એક્ટિવ કેસ, એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેમનો રેટ પણ ઘટીને 21 ટકા થઈ ગયો છે. આ સાથે જ રિકવરી રેટ એટલે કે સ્વસ્થ થનારા દર્દીઓની સરેરાશ પણ 78 ટકા પર પહોંચી ગઈ છે. આમ ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ
વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 2,79,30,514 કેસ સામે આવી ચૂક્યાં છે. ગત 24 કલાકમાં કોરોનાના 2,02,214થી વધુ કેસો નોંધાયા છે. જેમાંથી 95 હજાર કરતાં વધુ કેસ માત્ર ભારતમાંથી જ સામે આવ્યાં છે. આ સિવાય વિશ્વમાં અત્યાર સુધી 2 કરોડ કરતાં વધુ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે.

દુનિયામાં 1 કરોડ દર્દીઓ સ્વસ્થ થવામાં 209 દિવસ લાગ્યાં હતા. જ્યારે બાકીના 45 દિવસોમાં જ રિકવર પેશન્ટોની સંખ્યા વધીને 2 કરોડ પર પહોંચી ગઈ છે. ટૉપ-10 પ્રભાવિત દેશોમાં સૌથી વધુ રિકવરી રેટ દક્ષિણ આફ્રિકામાં 88.64 ટકા છે.