Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BJP અગ્રણી સુરેન્દ્ર રાજપૂત સાથે નકલી માર્કશીટના આરોપી પ્રજેશનું કનેક્શન

BJP અગ્રણી સુરેન્દ્ર રાજપૂત સાથે નકલી માર્કશીટના આરોપી પ્રજેશનું કનેક્શન

0
175

અમદાવાદ: વસ્ત્રાપુરમાંથી પોલીસે ઝડપેલા ડુપ્લીકેટ માર્કશીટ રેક્ટના આરોપી પ્રજેશને ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપૂત સાથે સબંધ હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત આરોપી પ્રજેશ ગુજરાત રાજ્ય સેવા સમિતિ NGOમાં પણ ટ્રસ્ટી છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

વસ્ત્રાપુર પોલીસે ડુપ્લીકેટ માર્કશીટનું રેકેટ ડીકોય ગોઠવી ત્રણ દિવસ અગાઉ પકડ્યું હતું. જેમાં બે આરોપીઓ પ્રજેશ જાની અને કલ્પેશ પાઠકની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી પ્રજેશ જાની ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપૂત ત્યાં અગાઉ કામ કરતો હોવાનું ખુલ્યું છે. સુરેન્દ્ર રાજપૂતની આ કેસમાં કોઈ ભૂમિકા હજુ સુધી ખુલી નથી. જ્યારે આરોપી પ્રજેશ જાની ગુજરાત રાજ્ય સેવા સમિતી NGOમાં પણ ટ્રસ્ટી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

આ એનજીઓમાં અન્ય કોણ કોણ લોકો કાર્યરત અને જોડાયેલા છે તે તપાસ પોલીસે હાથ ધરી છે. એનજીઓ કેવા પ્રકારની કામગીરી કરે તે તપાસ પણ પોલીસ કરશે. આમ ડુપ્લીકેટ માર્કશીટમાં પકડાયેલા આરોપીના રાજકીય સબંધો હોવાનું ખુલતા પોલીસ અધિકારીઓ વિચારમાં પડી ગયા છે.

આ પણ વાંચો: વસ્ત્રાપુરમાં ચાલતા નકલી માર્કશીટ રેકેટનો પર્દાફાશ, પોલીસે ડેકોય ગોઠવી બેને ઝડપ્યા: એક ફરાર

પોલીસે ત્રણ દિવસ અગાઉ ડુપ્લીકેટ માર્કશીટનું રેકેટ ઝડપ્યું જેની વિગતો મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગોંવિંદભાઈ નરશીભાઈને બાતમી મળી હતી કે, બોડકદેવના રામઝરૂખા એપાર્ટમેન્ટમાં રેહતો પ્રજેશ જાની અને ચિંતન પટેલ જુદી જુદી યુનીવર્સીટીની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી વેચાણ કરે છે.

બાતમીના પગલે પીઆઈ વાય.બી.જાડેજાએ એસીપી એ ડીવીઝન એમ.એ.પટેલ સાથે ચર્ચા કરીને નકલી માર્કશીટનું રેકેટ ઝડપી લેવા ડીકોય ગોઠવવાનું આયોજન થયું હતું.

પીઆઈ જાડેજાએ મહિલા કોન્સ્ટેબલ રેણુકા મૂળજીભાઈને આરોપી પાસે ગ્રાહકના સ્વાંગમાં માર્કશીટ ખરીદવા તૈયાર કરી હતી. જે મુજબ રેણુકાએ આરોપીનો મોબાઈલથી સંપર્ક કરી વિદેશ જવા ગુ.યુનિ.ની ગ્રેજ્યુએશનની માર્કશીટ બનાવી આપવા કહ્યું હતું. ફોન પર આરોપી ચિંતને રેણુકાને જણાવ્યું કે, ગુ.યુનિ.ની ત્રણ વર્ષની ગ્રેજ્યુએશનની માર્કશીટના રૂ.10 લાખ થશે પણ તમારે વિદેશ જવા માટે જરૂર હોય તો હું તમને રૂ.3 લાખમાં મદ્રાસ યુનિ.ની મિકેનિકલ એન્જીયરિંગ ડિપ્લોમાની સેમેસ્ટરની માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન, ટ્રાન્સક્રિપટ અને વિઝનલ સર્ટિફીકેટ પણ બનાવી આપીશ.

આ પણ વાંચો: ફિઝુ કેસઃ પોપ્યુલર ગ્રૂપના રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર 2 દિવસના રિમાન્ડ પર

રેણુકાએ ફોન પર હા પાડતા આરોપીએ જણાવ્યું કે, તમને વ્હોટ એપ પર પ્રજેશ જાની મેસેજ કરી જે માહિતી માગે તે મોકલી આપશો. તમારા સર્ટી. તમને 15થી 20 દિવસમાં મળી જશે. ગત તા.30મી જુલાઈના રોજ પ્રજેશએ બપોરે મેસેજ કરી રેણુકા પાસે નામ,માતા-પિતાનું નામ, જન્મ તારીખ અને અત્યાર સુધીના અભ્યાસની વિગત માંગી હતી. રેણુકાએ તમામ વિગત મોકલી આપતા પ્રજેશે જણાવ્યું કે થોડા દિવસમાં માર્કશીટ આવી જશે તમે પૈસા તૈયાર રાખજો.

32 દિવસ બાદ પ્રજેશએ 1લી સપ્ટેમ્બરના રોજ ફોન કરી રેણુકાને માર્કશીટ તૈયાર થઈ ગયાનો મેસેજ આપી રૂ.3 લાખ આપી રામઝરૂખા એપાર્ટમેન્ટ નીચે આવી જવા જણાવ્યું હતું. રેણુકાએ પૈસાની વ્યવસ્થા માટે એક દિવસનો સમય માંગ્યો હતો.

મહિલા કોન્સ્ટેબલ રેણુકા અન્ય સાથી પોલીસ કર્મચારીઓ સાથે માર્કશીટ લેવા ગત તા 2જી સપ્ટેમ્બરના રોજ પહોંચી હતી. જ્યા આરોપીઓને ડુપ્લિકેટ માર્કશીટ સાથે રંગે હાથ ઝડપ્યા હતા. પોલીસ સ્ટાફમાં જેમને બાતમી મળી હતી તે ગોવિંદભાઈ નરશીભાઈ તેમજ વિશ્વરાજસિંહ હરદેવસિંહ, લાલજીભાઈ ચકાભાઈ, એએસસાઈ ભારતભાઈ દાનાભાઈ, હેકો રામચંદ્ર શાંતારામ,બાબુ સરતાન અને જીતેન્દ્ર જીવા કોન્સ્ટેબલ રેણુકા સાથે સ્થળ પરથી આરોપી પ્રજેશ હિમાંશુ જાની (ઉં,39) રહે, રામઝરૂખા એપાર્ટમેન્ટ,બોડકદેવ અને કલ્પેશ મનુપ્રસાદ પાઠક (ઉં,51) રહે, ઠાકોરનાથ રેસિડેન્સી, નાંદોલ દહેગામની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ચિંતન પટેલની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો: નિવૃત IAS ડી.કે.રાવના બંગલામાંથી 40 લાખની ચોરી

વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજા સહિતનો સ્ટેઅફ છેલ્લા 35 દિવસથી આ રેકેટના સૂત્રધારોને ઝડપી લેવા મથામણ કરતો હતો. આરોપીઓ વિરૂધ્ધ આઈપીસીની કલમ 465,467,468,471,475 અને 34 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.