Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળશે

ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળશે

0
308
  • ભાવનગર ખાતે બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ 
  • કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે
  • શિપ બ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી

ભાવનગર : ગુજરાતનું નામ એક વાર ફરીથી વિશ્વ ફલક પર ઝળહળશે. ભાવનગર ખાતે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ (CNG terminal bhavnagar) બનાવવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યના CM રૂપાણી દ્વારા CNG ટર્મિનલ સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. ભાવનગરનો આ પ્રથમ CNG ટર્મિનલ પ્લાન્ટ પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ હશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જો પ્રથમ તબક્કાની વાત કરીએ તો રૂપિયા 1300 કરોડનું મૂડીરોકાણ આની અંદર કરવામાં આવશે. ત્યાર બાદ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટ આકાર પામશે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવશે. બાદમાં ટર્મિનલ કાર્યરત થયા બાદ વાર્ષિક કાર્ગો કેપેસિટી પણ વધશે. વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે.

આ પ્રોજેક્ટ બનતા જ ગુજરાતમાં 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે. આ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ (CNG terminal bhavnagar) બનશે.

આ પણ વાંચોઃ ભુજ RTOનો 40 ટકાથી વધુ સ્ટાફ કોરોનાની ઝપેટમાં, સ્વૈચ્છિક ન આવવા અપીલ

ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ વિકસાવવામાં આવશે. CNG ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે. CM વિજય રૂપાણીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ લેવાશે. ગુજરાતમાં એક દહેજ અને બીજા હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ હશે કે જે ભાવનગરમાં પ્રસ્થાપિત થશે.

પ્રતિ વર્ષ 45 લાખ ટનની ક્ષમતાનું લીક્વીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન પણ કરવામાં આવ્યું છે. શિપ બ્રેકીંગ, શિપ રિસાયકલીંગ ઉદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી બનશે.

તાજેતરમાં જ જામનગરના સચાણા પોર્ટને પણ પુન: ધમધમતુ કરવા મંજૂરી આપવામાં આવી હતી. હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ (CNG terminal bhavnagar) ને ભાવનગરમાં નિર્માણની મંજૂરી અપાઈ છે. આમ સૌરાષ્ટ્રનાં સમુદ્ર કિનારાની પૂરાતન જાહો જલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટસથી પુન: ધબકતી કરવાની CM રૂપાણીની નેમ સાકાર થશે. CNG ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.

આ પણ વાંચોઃ નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી