Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોરોનાથી બગડતી સ્થિતિનો તાગ મેળવવા CM અને DyCM આજે સુરત જશે

કોરોનાથી બગડતી સ્થિતિનો તાગ મેળવવા CM અને DyCM આજે સુરત જશે

0
26

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. ડાયમંડ સિટીમાં કોરોના દરરોજ પોઝિટિવ કેસોનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી છે. આથી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાત લેવાના છે.

પોતાની મુલાકાત દરમિયાન CM અને DyCM સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. આ ઉપરાંત 1 હજાર બેડની કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરા અને રાજકોટની મુલાકાત લીધી હતી. રાજ્યમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17.50 લાખને પાર, 24 કલાકમાં 853ના મોત

વડોદરા અને રાજકોટમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો સાથે કોરોનાની સમીક્ષા માટે બેઠક યોજી હતી. જેમાં કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.

જો સુરતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો, છેલ્લા કેટલાક દિવસોમાં અહીં પોઝિટિવ કેસો રેકોર્ડ તોડી રહ્યાં છે. જો ગઈકાલની જ વાત કરીએ તો, સુરત શહેરમાં 214 અને જિલ્લામાં 48 કેસ મળીને કુલ 262 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં જોઈએ તો, 24 કલાકમાં 1136 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 24 લોકોના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 62574 કેસ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે કુલ 2465 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

.