Gujarat Exclusive > દેશ-વિદેશ > ગલવાન જેવી હિંસક ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતું હતું ચીન, તસ્વીર આવી સામે

ગલવાન જેવી હિંસક ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતું હતું ચીન, તસ્વીર આવી સામે

0
48

ભાલા જેવા હથિયારોથી સજ્જ ચીની સૈનિકોની ઘુસણખોરીની કોશિશ

45 વર્ષ બાદ LAC પર ફાયરિંગ

નવી દિલ્હી: ભારત (India) અને ચીન (China) વચ્ચે છેલ્લા લગભગ 4 મહિનાથી તનાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન લદ્દાખ વિસ્તારમાં કેટલાક ચીની સૈનિકો (PLA) દ્વારા ભારતીય પોસ્ટ (Indian Post) તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના કારણે દાયકાઓ બાદ પ્રથમ વખત ફાયરિંગ પણ થયું હતું.

જ્યારે હંમેશાની જેમ ચીને આ વખતે પણ ભારતની ભૂલ ગણાવીને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે હવે ચીની સૈનિકોની કરતૂતને દર્શાવતી એક તસ્વીર સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચીની સૈનિકો ગલવાન જેવી ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતા હતા.

ચીની સૈનિકોની એક ટૂકડીનો આ ફોટો લદ્દાખ વિસ્તારમાં લેવામાં આવ્યો છે. સેના (Indian Army)ના સુત્રો તરફથી આ તસ્વીર શેર કરવામાં આવી છે. આ ફોટોમાં જે જોવા મળી રહ્યું છે, તે ચીનના નાપાક ઈરાદાઓને સ્પષ્ટ દર્શાવી રહ્યું છે.

સેના દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરમાં અંદાજે 30થી વધુ ચીની સૈનિકો ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. જેમાં હાથમાં લાંબી લાકડીઓ અને આ લાકડીઓના છેડા આગળ ધારદાર હથિયાર (એક પ્રકારનું ભાલા જેવું હથિયાર) છે. તો કેટલાક સૈનિકો પાસે બંદૂકો પણ છે.

ચીની જવાનોની આ ટૂકડી ભારતીય પોસ્ટને ઘેરવાની તૈયારીમાં હતી. જો કે સમયસર ભારતીય જવાનોએ તેમને ચેતવણી આપીને પાછળ ખદેડી મૂક્યા હતા.

આ પણ વાંચો: Unlock-4: 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકશે ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ

ભારત અને ચીનની સેનાના આરોપ-પ્રત્યારોપ
આ સમગ્ર મામલે ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારત LAC પર તનાવ ઓછો કરવા માંગે છે. જ્યારે ચીન તરફથી રોજ નવા પેંતરા રચવામાં આવી રહ્યાં છે. કોઈ પણ સ્થિતિમાં ભારતીય સેનાએ LACને ક્યારેય ક્રોસ નથી કરી.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે, PLAના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાના આધારે દાવો કર્યો હતો કે, ભારતીય સેનાના જવાનોએ 7 સપ્ટેમ્બરે પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારા નજીક LAC ક્રોસ કરી હતી.

આ દરમિયાન ભારતીય સૈનિકોએ વૉર્નિંગ શૉટ્સ પણ ફાયર કર્યા હતા. જે બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે ચીની સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી તરીકે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

જણાવી દઈએ કે, આ ઘટના મૉસ્કોમાં ભારત અને ચીનના ડિફેન્સ મિનિસ્ટરો વચ્ચે થયેલી બેઠકના 3 દિવસ બાદ અને રશિયાની રાજધાનીમાં બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ગુરુવારે થનારી બેઠકની પહેલા ઘટી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવી જ તૈયારી ચીની સેનાએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ વખતે પણ કરી હતી. જ્યારે ભારતીય જવાનો પેટ્રોલિંગ માટે ગલવાન ઘાટી પહોંચ્યા, તો ત્યાં ચીની સૈનિકો પહેલાથી જ ભાલા જેવા હથિયાર અને દંડા લઈને ઉભા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ ચીની સૈનિકોએ ભારતીય જવાનો પર આવા હેન્ડમેડ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 જાબાંજ જવાનો શહીદ થઈ ગયા હતા.

જ્યારે સામા પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગલવાન અથડામણમાં ચીનના પણ 40થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે ચીન હજુ સુધી સત્તાવાર રીતે કોઈ આંકડા જાહેર નથી કરી રહ્યું.