Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થી ચેતે: બે યુવકો સાથે હૈદરાબાદના એજન્ટની 27 લાખની ઠગાઈ!

વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થી ચેતે: બે યુવકો સાથે હૈદરાબાદના એજન્ટની 27 લાખની ઠગાઈ!

0
108
  • સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવાના સપના દેખાડી છેતરપિંડી
  • મેડિકલ,ફિંગર પ્રિન્ટ વગેરે કરાવ્યા બાદ પૈસા લઈ ઠગાઈ આચરી

અમદાવાદઃ અમદાવાદના બે યુવકને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવાના સપના દેખાડી રૂ. 27 લાખની ઠગાઈ આચરનાર હૈદરાબાદના એજન્ટ વિરૂધ્ધ ક્રાઈંબ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

વિદેશમાં અભ્યાસ અર્થે જવા માટે લાખો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. જેના પગલે લેભાગુ એજન્ટો ઠગાઈ કરવા માટે બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળ્યા છે. અભ્યાસ કરવા વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ આવા લેભાગુ એજન્ટોથી ચેતવા જેવી ઘટના પ્રકાશમાં આવી છે.

ઘાટલોડિયામાં સત્તાધાર ચાર રસ્તા પાસે દેવાલય પ્લાઝામાં રહેતાં હર્ષ દશરથ પટેલ (27)એ સોમવારે ક્રાઈમબ્રાન્ચમાં હૈદરાબાદના એજન્ટ ઓ.અરૂણકુમાર વિરૂધ્ધ રૂ.27 લાખની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ જમાલપુરમાં વીજ ચેકીંગ કરવા ગયેલી ટીમ ઉપર હુમલો

મિત્રની સલાહથી હર્ષે એજન્ટ પર વિશ્વાસ મૂક્યો હતો

ફરિયાદ મુજબ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતાં હર્ષના મિત્ર દેવાંગ પટેલએ હૈદરાબાદના એજન્ટ ઓ.અરૂણકુમારએ તેના વિઝા કરાવ્યાની વાત હર્ષને કરી હતી. હર્ષને સ્ટુડન્ટ વિઝા કરાવવા હોય તો આ અરુણકુમારને મળવાની સલાહ આપી તેનો નંબર આપ્યો હતો. હર્ષ અને તેનો મિત્ર જયમીન આ અરૂણકુમારને ફોન કર્યા બાદ હૈદરાબાદ મળવા ગયા અને વિઝાની પ્રોસેસ વિશે માહિતી મેળવી હતી.

ત્યાર બાદ અરૂણકુમારે જણાવ્યા  મુજબ બન્નેએ એજન્ટના સબંધીના ખાતામાં ટુકડે ટુકડે સ્ટુડન્ટ વિઝાની યુનિવર્સીટીની ફી,વાયર પેમેન્ટ અને બીજા ચાર્જ પેટે રકમ જમા કરાવી હતી. આરોપીએ બે મહિનામાં વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. જોકે થોડા સમય બાદ હર્ષ અને જયમીનના ખાતામાં રૂ.50-50 હજારની રકમ કપાઈને બાકીની તમામ રકમ પરત આવી ગઈ હતી. આથી આરોપી અરૂણકુમાર સાથે વાત કરતા તેણે કોલેજમાંથી ફાઈલ વિડ્રો થતાં આવું થયાનું જણાવ્યું હતું. જે રૂ. 1 લાખ કપાયા તેની જવાબદારી અરૂણકુમારે લીધી હતી.

એજન્ટે બીજી કોલેજમાં 14 લાખ જાતે ભરી ઓફર લેટર મોકલ્યા

પાંચ મહિના બાદ અરૂણકુમારે તે પછી કેનેડાની ક્યુબેક સિટીની સિઝેક કોલેજમાં હર્ષ અને જયમીનના એડમિશન માટે એપ્લાય કરી રૂ.14 લાખ ફી જાતે ભરી બન્નેને કોલેજના ઓફર લેટર મોકલી આપ્યા હતા.

અરૂણકુમારે બન્નેને પૈસાની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. હર્ષ અને જયમીનએ ફેબ્રુઆરી,2019 થી જાન્યુઆરી,2020ના સમયગાળા દરમિયાન આરોપી અરૂણકુમારના કહેવાથી તેના સગા ઓરાંગતી કિરણ અને ઓરાંગતી લક્ષ્મી તેમજ નિલેશ પટેલના એકાઉન્ટમાં રૂ. 10 લાખ, ફીના બીજા રૂ.14 લાખ ભર્યા હતા.

આ પણ વાંચોઃ બ્લેકમેઇલ કરી 1.26 કરોડ પચાવનારા અગ્રવાલ બંધુઓના ત્રાસથી વેપારીનો આપઘાત

અગાઉ આરોપીએ કરેલા ખર્ચના એક લાખ અને બંનેને હૈદરાબાદ બોલાવી આરોપીએ મેડિકલ ચેકઅપ,ફિંગર પ્રિન્ટ કરાવતા તેનો ખર્ચ રૂ.2 લાખ કરાવ્યો હતો. આમ કુલ રૂ.27 લાખની રકમ ચૂકવ્યા બાદ પણ હર્ષ પટેલ અને જયમીન પટેલના વિઝા થયા નહતા. આરોપી અરૂણકુમાર બન્ને યુવકોના વિઝા પણ કરાવતો ન હતો. લીધેલા પૈસા પણ વાયદા કર્યા બાદ ચૂકવતો ન હતો. આથી હર્ષ પટેલએ આરોપી વિરૂધ્ધ 8 જુલાઈના રોજ ક્રાઈમબ્રાન્ચમાં લેખિત અરજી કરી હતી. જેના પગલે ક્રાઈમબ્રાન્ચે અરજીની તપાસ કરી આરોપી ઓરાંગતી અરૂણકુમાર (રહે, હિમાયતનગર, વાસુ મેડિકલ ઉપર, હૈદરાબાદ)વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.