Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કચ્છ: ભચાઉના આંબલિયારા ગામે લોકોએ શાળાને તાળા માર્યા

કચ્છ: ભચાઉના આંબલિયારા ગામે લોકોએ શાળાને તાળા માર્યા

0
305

“ભણે ગુજરાત, રમે ગુજરાત” જેવા રૂપાળા સ્લોગન આપીને રાજ્યમાં દર વર્ષે કરવામાં આવતા પ્રવેશોત્સવનાં તાયફાઓ વચ્ચે કચ્છનાં એક ગામડામાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી. શિક્ષકો જ ના હોય તેવામાં બાળકોને શાળાએ કેમ મોકલવા તેવા આક્રોશને કારણે લોકો ગામની શાળાને તાળા મારવા મજબૂર થયા હતા. સ્થિતિ ના વણસે તે માટે ગામમાં તાત્કાલિક પોલીસને પણ બોલાવી લેવી પડી હતી.

પુર્વ કચ્છનાં ભચાઉ તાલુકાના આંબલિયારા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ અને પૂરતા કલાસ રૂમ ન હોવાની રજુઆત છતા સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતી હોવાને કારણે ગ્રામજનોએ કંટાળીને વિરોધ કરવાનો અનોખો રસ્તો અપનાવ્યો હતો. અને ગુરૂવારે સવારથી જ શાળા ને તાળાબંધી કરી ઘરણે બેસી ગયા હતાં

ગામનાં લોકોએ અનેકવાર શિક્ષણ વિભાગ ને રજુવાત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં બાળકોને શિક્ષણકાર્યથી દુર રાખીને વાલીઓએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઘટનાને પગલે કોઈ ઘર્ષણ ના થાય તે માટે પોલીસ આંબલિયારા ગામે ધસી ગઈ હતી.

અગાઉ પણ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તેમ જ ચૂંટાયેલા સદસ્યો દ્વારા અવારનવાર રજૂઆતો થતી રહે છે. પણ, કચ્છમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિસ્થિતિ હજી સુધરતી નથી એ કડવી વાસ્તવિકતા છે.

જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનાર લોકોમાં ગુજરાત મોખરે, ₹ 80 લાખનો દંડ વસૂલાયો