Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નિષ્ફળતા છૂપાવવા ભાજપ કોરોનાથી મૃત્યુના આંકડા છૂપાવે છે : કોંગ્રેસ

નિષ્ફળતા છૂપાવવા ભાજપ કોરોનાથી મૃત્યુના આંકડા છૂપાવે છે : કોંગ્રેસ

0
82
  • ‘નમસ્તે પાટીલ “કાર્યક્રમો દ્રારા ભાજપ સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી

  • કોરોનાના મૃત્યુના આંકડાઓ તથા સ્મશાન ગૃહોના અંતિમવિધિના આકડાંમાં આસમાન-જમીનનો તફાવત

અમદાવાદ: ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને જામનગર શહેરોમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના સરકારી આંકડાઓ તથા સ્મશાન ગૃહોમાં કોરોનાના દર્દીઓના મૃતદેહોના થયેલા અંતિમ સંસ્કારના આંકડાઓ વચ્ચે આસમાન જમીન જેટલો તફાવત હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress)ના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના નાના શહેરોમાં પણ હોટસ્પોટ બની રહ્યાં છે છતાં ભાજપ સરકાર કોઇ ગંભીરતાથી પગલાં લેવાના બદલે ‘નમસ્તે પાટીલ’ના કાર્યક્રમો યોજવા દઇને ભાજપ સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવવા છુટ્ટો દોર આપી રહી છે.

તેમણે (Arjun Modhwadia) વધુમાં જણાવ્યું કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમ સંસ્કારના કોર્પોરેશનના સ્મશાનભૂમિના આંકડાઓ આપતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર કોરોના મત્યુના આંકડાઓ પર કફન મૂકી રહી છે. ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતા છુપાવવા કોરોનાના ઓછા ટેસ્ટ, ઓછા દર્દીઓની સંખ્યા તથા કોરોનાના કારણે ઓછા મૃત્યુ દર્શાવવાનું તરકટ રચવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગર સ્મશાન ગુહમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મુતદેહોના અંતિમવિધિના આંકડાઓ ભાજપ સરકારની પોલ ખોલી નાંખી છે.

મૃત્યુ અંતિમ સત્ય છે તેને છુપાવી શકાતું નથી. કોરોનાના કારણે મુત્યુ થયેલા દર્દીઓના આંકડા હોસ્પિટલ મારફતે સીધા જાહેર કરવાના બદલે તે નક્કી કરવાની એક ડેથ ઓડિટ કમિટી બનાવી છે. આ કમિટી દ્રારા કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુના કારણોમાં કોરોનાના બદલે અન્ય કારણો દર્શાવી દેવાનું મોટું કૈભાંડ છે.

આ પણ વાંચો: AMC: પાણી બાદ ગેરકાયદેસર બાંધકામોને મંજુર કરવાની હિલચાલ

તેમણે વધુમાં (Arjun Modhwadia) કહ્યું કે કોરોનાને રોકવા જનતા સહકારી આપી રહી છે પરંતુ ભાજપના નવા અધ્યક્ષ સીઆરપાટીલની આગેવાનીમાં ભાજપ સુપર સ્પ્રેડર બની રહ્યો છે. પાટીલ ભાઉના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નમસ્તે પાટીલ કાર્યક્રમોમાં રેલીઓ, રાસ ગરબાં સહિતના કાર્યક્રમોમાં કોરોનાને સામેથી આમંત્રણ અપાયું છે. પાટીલ ભાઉ ખુદ તથા ભાજપના સેંકડો આગેવાનો તથા કાર્યકરો કોરોના સંક્રમિત થયા છે. આ બંને સ્થળો કોરોનાના નવા હોટ સ્પોટ બન્યાં છે.

અમદાવાદ

અમદાવાદમાં મે મહિનામાં કોરોના સંક્રમણ ટોચ ઉપર હતું. ત્યારે સ્મશાન ગુહમાં મરણની સંખ્યા 6147 હતી. એટલે કે એક દિવસમાં 204 અને દર કલાકે 9 મરણ નોંધાયા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે કોરોનાના કારણે માત્ર 686 મૃત્યુ નોંધાયા હતા. જયારે માર્ચ મહિનામાં સ્મશાનમાં 2685 મૃત્યુ એટલે કે દરરોજ 90 અને દર કલાકે 4 મૃત્યુ નોંધાયા હતા. પરંતુ કોરોનાના કારણે માત્ર 3 મરણ નોંધાયા હતા. તે જ રીતે એપ્રિલમાં 3052 મરણ એટલે કે દિવસના 101 મરણ અને દર કલાકે 5 મોત થયા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે કોરોનાના કારણે માત્ર 144 મોત નોંધાયા છે.

આ પણ વાંચો: AUTO RICKSHAW ચાલકોના હિતમાં હાઇકોર્ટનું સરકારને મહત્વનું ફરમાન

જૂન મહિનામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં 4968 મૃત્યુ, દરરોજ 165 મોત, દર કલાકે 7 મોત નોંધાયા હતા. પરંતુ સરકારી ચોપડે કોવિડ 19ને કારણે 572 મોત નોંધાયા હતા. જુલાઇના પ્રથમ 13 દિવસોમાં સરકારી આંકડા મુજબ કોરોનાથી 79 મોત બતાવ્યા હતા. પરંતુ સ્મશાન ગૃહમાં 132 અંતિમ સંસ્કાર થયા હતા. સ્મશાન ગૃહમાં મૃત્યુની સંખ્યામાં બમણો વધારો થવા છતાં કોરોનાના કારણે ઓછા મૃત્યુ નોંધાયા છે તેનો કેમ કોઇ ખુલાસો કરાયો નથી?

રાજકોટમાં છેલ્લાં છ મહિનામાં કોરોનાના કારણે 92 મૃત્યુ થયા હોવાની જાહેરાત થઇ છે. પરંતુ રાજકોટના રામાથા મુક્તિધામ, મોટા મવા અને 80 ફૂટ રોડ પરના સ્મશાનગૃહમાં 771 મૃતદેહોના અંતિમ સંસ્કાર તથા કબ્રસ્તાનમાં 38 મૃતદેહોની દફનવિધિ સહિત કુલ 798 કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ થઇ હતી.

સુરત

સુરતમાં અંતિમ સંસ્કારનું કામ કરતી સંસ્થાના પ્રતિનિધિએ આપેલા આંકડા મુજબ સુરત મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ત્રણ સ્મશાન ગૃહોમાં રોજ કુલ 100 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલથી થાય છે. છતાં સુરતમાં કોરોનાગ્રસ્ત મૃત્યુના આંકડા 15ની આસપાસ જ બતાવાય છે.

આ પણ વાંચો: મામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટના: ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો

જામનગર

સરકારી આંકડા મુજબ જામનગર શહેરમાં કોરોનાના કારણે 26 મૃત્યુ દર્શાવાયા છે. પરંતુ જામનગર મ્યુનિ. કોર્પોરેશનના આંકડાઓ મુજબ જામનગરમાં એક જ સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્રોટોકોલ મુજબ 182ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જિલ્લા અને શહેરના અન્ય સ્મશાનગૃહો અને કબ્રસ્તાનના આંકડાઓનો સમાવેશ થતો નથી.