Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં આજે વધુ 17 પોઝીટીવ કેસો મળ્યા

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં આજે વધુ 17 પોઝીટીવ કેસો મળ્યા

0
81
  • આજે આઠમા દિવસે પણ ટ્રેઇનમાં અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ થયું

  • રાજધાની એક્સપ્રેસમાંથી વધુ પોઝિટિવ કેસો મળવાનો સીલસીલો જારી

  • AMC દ્રારા આજે સતત આઠમા દિવસે પણ મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું 

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) દ્રારા આજે સતત આઠમા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1580 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 17 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 15 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આ 17 કોરોના પોઝિટિવ કેસોમાંથી 10 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા હતા. જયારે 7 દર્દીઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજીતરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી.

આ પણ વાંચો: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 1 માસમાં 11 ના મોત, સુવિધાના અભાવે દર્દીની હાલત કફોડી

જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશ (AMC)ને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે એટલે સોમવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 814 મુસાફરોનું  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશ (AMC) દ્વારા ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 15 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 395 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક પણ કેસ મળ્યો ન હતો.

તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 371 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1580 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 17 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

આ પણ વાંચો: ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં GSTની આવકમાં 10,454 કરોડનો ઘટાડો

માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 23 દૂર, 20 વિસ્તારો ઉમેરાયાં

અમદાવાદ શહેરમાં આજે 381 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ચર્ચા વિચારણાંના અંતે 23 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયા હતા. જેથી સંખ્યા 358 થઇ હતી. પરંતુ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાની સામે 20 નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉમેરાયા હતા. જેથી કુલ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 378 પર પહોચ્યો છે. દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, મધ્ય ઝોનમાં 1 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 તેમ જ પૂર્વમાં 1 તથા પશ્ચિમ ઝોનમાં 4 વિસ્તારો ઉમેરાયા છે. જેમાં ચાંદખેડા, નવા વાડજ, જોધપુર, બોપલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.