Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, અક્ષરધામ હુમલાના આતંકવાદીની ધરપકડ

ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી, અક્ષરધામ હુમલાના આતંકવાદીની ધરપકડ

0
696

ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ મહોમ્મદ યાસીન ગુલામ મોહિદ્દીન ભટ્ટની ધરપકડ કરી છે.

આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આતંકવાદને નાથવા માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરી છે, ત્યારે રાજ્યમાં આતંકવાદ હુમલા ના થાય તે માટે સરકાર પણ સતર્ક છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિના પરિણામે આતંકવાદીઓ સીમાથી ઘુસવાનો પ્રયાસ કરી શકતા નથી. આથી આતંકી હુમલા રોકવામાં સફળતા મળી છે.

વર્ષ 2002માં અક્ષરધામ ગાંધીનગર પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લવાશે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. રાજ્યના આ જાબાઝ એ.ટી.એસ.ના અધિકારીઓની કામગીરીની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે ગુજરાતના પનોતાપુત્ર-તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદને નાથવા માટે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું હતું. જેના પરિણામે આજે ગુજરાત પર કોઇ ઉંચી આંખ કરીને જોઇ શકતું નથી.

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ ૨૦૦૨માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા. તે સમયે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિ અને દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ અને સમય સૂચકતાના પરીણામે કેન્દ્રિય સહાય મળી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બચાવ ઓપરેશન હાથ ધરાયું અને મોટી જાનહાની રોકી શકાઇ હતી. આ આતંકી હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ પુરેપુરો સહયોગ આપીને રસ દાખવ્યો, જેના પરીણામે આ સફળતા મળી છે. આ સમગ્ર કામગીરી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સતત મોનીટરીંગ કરી રહ્યા છે.

જાડેજાએ સમગ્ર કેસની ટૂંકી વિગતો આપતા જણાવ્યું કે, તા. ૨૪.૦૯.૨૦૦૨ ના રોજ સાંજના આશરે ૦૪:૩૦ વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરેલ અને હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ (એન.એસ.જી) કમાન્ડોને નવી દિલ્હીથી બોલાવાયા હતા.

અક્ષરધામ હુમલાનો ઘટનાક્રમ
આ હુમલામાં એન.એસ.જી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને 3 એસ.આર.પી.ના જવાનો સહિત કુલ ૩૩ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાનો સહિત લગભગ 86 જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. આ યાસર ભાટ કાશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝુબેર સહિતના LeT આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeTના આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો.

યાસીન ભાટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ. જે બાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવેલ હતા. અમદાવાદમાં અન્ય LeT આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો.

વર્ષ 2003માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટે તેને અક્ષરધામ હુમલામાં પોતાની કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ આરોપી હુમલા બાદ પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એ.ટી.એસ. આ આરોપીની શોધખોળમાં હતી. આ દરમ્યાન મળેલ ગુપ્ત બાતમીને આધારે એ.ટી.એસ. અને એસ.ઓ.જી.અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીને ઝડપી પાડ્યો હતો. LeT (લશ્કર-એ-તોયબા) નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજુ કરી 6 દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવીને ગુજરાત લવાશે.