Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદઃ માસ્કના 50 મેમોના ટાર્ગેટથી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હેરાન પરેશાન

અમદાવાદઃ માસ્કના 50 મેમોના ટાર્ગેટથી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હેરાન પરેશાન

0
197
  • ખાડિયા, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સ્ટાફને સૂચના
  • 1 હજારનો દંડ ના ભરવા માટે લોકો પોલીસ સાથે ઘર્ષણ કરે છે

અમદાવાદઃશહેરના કેટલાક પોલીસ સ્ટેશનને માસ્કના દંડના 50 મેમો બનાવવાના ટાર્ગેટ અપાતા પોલીસ કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે. લોકો પોલીસ સાથે રૂ.1000નો દંડ ના ભરવો પડે માટે બોલાચાલી કરી ઘર્ષણમાં ઉતરે જેના કારણે સમય વેડફાય છે. ગુજરાત હાઇકોર્ટેએ માસ્ક મુદ્દે કડક વલણ દાખવી લોકોની સુરક્ષા માટે માસ્કનો દંડ રૂ.1 હજાર રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ ટાર્ગેટ આવતા પોલીસની હેરાની વધી ગઈ છે.

શહેરના ઇ ડીવીઝનમાં આવતા ખાડિયા, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સ્ટાફને સૂચના આપવામાં આવી છે. આજે ગુરુવારના રોજ સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી માસ્કના 50 મેમા બનાવવાનો ટાર્ગેટ અપાયો છે. અત્યાર સુધીમાં 25 મેમાનો ટાર્ગેટ હતો. જે પૂરો કરતા પોલીસ થાકી ગઈ ત્યાં 50નો ટાર્ગેટ આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટઃ વધુ બે સોનીના કોરોનાથી મૃત્યુઃ ગમગીન સોનીબજાર 7 દિવસ બંધ

ટાર્ગેટથી સ્થિતિને વધુ જટીલ બનાવતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા

પોલીસ અને લોકો વચ્ચે માસ્ક,ટ્રાફીકના દંડને લઈને સતત ઘર્ષણના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અધિકારીઓ આવા ટાર્ગેટ આપી સ્થિતિને વધુ જટીલ બનાવતા હોવાની ચર્ચા પોલીસ બેડામાં શરૂ થઈ છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે પિતા પુત્રએ માસ્કના મુદ્દે બોલાચાલી કરી તકરાર કરતા બન્ને વિરૂદ્ધ ગુનો નોંધયો હતો. આજ રીતે શહેરના શાહપુર વિસ્તારમાં યુવકે માસ્ક મુદ્દે પોલીસ જવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોરોના ફરજ દરમિયાન તાણ અનુભવતા પોલીસ જવાનો માસ્કના દંડના કકળાટને લઈ પરેશાન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

અધિકારીઓ દર કલાકે ફોન કરી રિપોર્ટ લે છે

પોલીસ અધિકારીઓ પણ દર કલાકે ફોન કરી માસ્કના મેમોકેટલા થયા તેનો રિપોર્ટ લે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માસ્કના દંડનો મેમો ભરવાની વાત આવે એટલે લોકો સીધી જીભાજોડી શરૂ કરી દે છે. પોલીસ સાથે સીધા બોલાચાલી અને જોઈ લેવાની ધમકી આપવાનું શરૂ કરે છે. તાજેતરમાં જમાલપુર ચાર રસ્તા પાસે માસ્ક અને હેલ્મેટ વગર જતા યુવકને પોલીસે રોકવા પ્રયાસ કર્યો હતો. જોકે આ યુવક રોકાયો નહીં અને આગળ જઈ વ્હિકલ સાથે રોડ પર પટકાયો હતો. પોલીસે લાકડી છૂટી ફેંકી તેમાં યુવક પટકાયો અને ઇજા થઇ તેવા આક્ષેપ થયા હતા. જેમાં પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો.

મનફાવે તેમ આદેશ અપાતા હોવાનો આરોપ

શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં માસ્કના દંડ અંગે કોઈ ટાર્ગેટ નથી પણ અમુક પોલીસ સ્ટેશનમાં ટાર્ગેટ અપાય છે. તેની પાછળના કારણો ડીવિઝન વાઇઝ અધિકારીઓ અલગ અલગ હોય છે. આમ અધિકારીઓ મનફાવે તેમ આદેશો છોડે છે. આવા આદેશો છોડવાની સત્તા પોલીસ કમિશનર કે કોઈ એક ઉચ્ચ આઈપીએસ અધિકારી પાસે રહે તો નિર્ણયોમાં એકસૂત્રતા જળવાય અને હુકમો પણ અવિચારી ના છૂટે તેમ પોલીસ સુત્રોનું કહેવું છે.

આ પણ વાંચોઃ ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 31 કોરોના પોઝિટિવ