Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીં તો દંડ થશે

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીં તો દંડ થશે

0
158

અનિલ પુષ્પાંગદન,ગાંધીનગરઃ સ્ટેટ ટ્રાફિક બ્રાંચના ઈન્ચાર્જ વડા પીયૂષ પટેલે રાજયમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ રાખવાનો હુકમ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય ડીએસપી વિરેન્દ્ર યાદવે અમદાવાદ ગ્રામ્ય પોલીસને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો છે. જો કોઈ પોલીસ કર્મચારી બે વખત હેલ્મેટ વગર પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત સરકારે ફરજિયાત હેલ્મેટ પહેરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. સ્ટેટ ટ્રાફિકના ઈન્ચાર્જ વડા પીયૂષ પટેલે ગઈકાલે બુધવારે રાજયમાં 9 મી સ્પ્ટેમબરથી 10 દિવસ માટે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ રાખવાનો હુકમ કર્યો હતો. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય ડીએસપી વિરેન્દ્ર યાદવે અમદાવાદ ગ્રામ્યના અધિકારી કર્મચારીઓ માટે એક ખાસ કાર્યલય આદેશ બહાર પાડ્યો છે. જે અનુસાર અમદાવાદ ગ્રામ્યના તમામ અધિકારી જવાનો જે ટુ વ્હિલર પર આવન જાવન કરે છે તેમણે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.

આ પણ વાંચો: સત્તાની લાલસાઃ નિવૃત્તિ આવી છતાં વિનય કુમારને GSPCમાં ટકી રહેવું છે

અમદાવાદ ગ્રામ્યનો કોઈ પણ કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર બે વખત પકડાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવે ગુજરાત એક્સક્લૂઝિવને જણાવ્યું હતું કે,

“હેલ્મેટના કાયદાનું સૌ પ્રથમ અમલ પોલીસ કરશે તો જ સામાન્ય જનતા તેનો અમલ કરશે. જો પોલીસ જ એના કાયદાનો ભંગ કરશે તો સામાન્ય જનતા સામે અપેક્ષા રાખવી ખોટી છે. તેના કારણે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ અધિકારી જવાનો હેલ્મેટના કાયદાનો અમલ નહીં કરે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.”

વધુમાં અમદાવાદ ગ્રામ્ય એસપીએ જણાવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેલ્મેટ વગર પકડાશે તો તેની સામે ટ્રાફિક નિયમનના ભંગ વિરુધ્ધની કાર્યવાહી કરવામાં આવશે અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.