Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ₹ 24 લાખનું ફ્રોડ કરનાર બંટીને ભાઈનો, તો બબલીને માતા-બહેનનો મળ્યો સાથ!

₹ 24 લાખનું ફ્રોડ કરનાર બંટીને ભાઈનો, તો બબલીને માતા-બહેનનો મળ્યો સાથ!

0
147

અમદાવાદ: રૂ.24 લાખની ઠગાઈ આચરી મોજશોખ માટે રૂપિયા 9 લાખની કાર લાવનાર બંટીને ભાઈએ તો બબલીને માતા અને બહેને ખોટા કામમાં સાથ આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ગુનામાં સાઈબર સેલની ટીમે બંટી-બબલી સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

સાઈબર સેલની ટીમે આનંદનગર ખાતે રેડિયો મીર્ચી રોડ પર નિલકંઠ એલીગન્સમાં ભાડે રહેતાં અને મૂળ ઘાટલોડીયાના સાંઈબાબા મંદિર પાસે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતાં સુરેશ શાહ અને તેના ભાઈ મુકેશ, સુરેશની પ્રેમિકા કળશ શાહ, કળશની બહેન વિશાખા અને માતા મોનાબેનની રૂ.24.72 લાખની ઓનલાઈન ઠગાઈના ગુનામાં આજે ધરપકડ કરી છે. પોલીસે સુરેશ અને કળશ દ્વારા ઠગાઈની રકમમાંથી ખરીદેલી રૂ.9 લાખની હુન્ડાઈ વેન્યુ કાર પણ કબ્જે લીધી છે.

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ, સુરેશની પ્રેમિકા કળશ CTM ખાતે રહેતાં કિરીટભાઈ કાનજીભાઈ ફુલબારીયાની માલિકીની રોલેક્ષ મશીનરી પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. કળશના પ્રેમી સુરેશના ભાઈ મુકેશને આ વાતની જાણ થઈ હતી.

આ પણ વાંચો: આજે ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ થશે રાફેલ ફાઈટર જેટ

આથી મુકેશે સુરેશને ઠગાઈની યોજના સમજાવી પ્રેમિકા કળશને સમજાવવા કહ્યું હતું. ભાઈએ સમજાવેલી ઠગાઈની યોજના સુરેશે તેની પ્રેમિકા કળશને સમજાવી ઠગાઈમાં સાથ આપવા તૈયાર કરી હતી.

આમ સુરેશના કહેવાથી કળશે કંપનીમાં ખોટી ઓનલાઈન એન્ટ્રી કરી રૂ.24,72,786ની ઠગાઈ આચરી હતી. આ રકમ કળશે તેની માતા મોનાબેન, બહેન વિશાખા અને પ્રેમી સુરેશના ભાઈ મુકેશના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ ઠગાઈની રકમમાંથી બન્ને પ્રેમીઓ રૂ 9 લાખની કાર લઈ આવ્યા હતા.

આ અંગેની જાણ થતાં કિરીટભાઈએ કંપનીમાં થયેલી ઠગાઈ અંગે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે પહેલા સુરેશ શાહની 3 દિવસ અગાઉ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. સુરેશની પૂછપરછમાં તેના ભાઈ મુકેશ, પ્રેમિકા કળશ, તેની બહેન અને માતાનું નામ ખુલ્યું હતું.

સુરેશ અગાઉ ઘંટાકર્ણ મહાવીર કોમ્પ્લેક્ષમાં એડેકસ ફેશનના નામથી રેડીમેડ ગારમેન્ટનો વેપાર કરતો હતો, જે પેઢી હાલ બંધ થઈ ગઈ છે. અગાઉ 2019ની સાલમાં આરોપી સુરેશ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 224 મુજબ ગુનો નોંધાયેલો છે. જે ગુનામાં તે નાસતો ફરતો હતો.

સાઈબર સેલના એસીપી જીતુ યાદવે જણાવ્યું હતું કે, હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ ચાલી રહી છે. ઠગાઈની યોજનાનો મુખ્ય સૂત્રધાર મુકેશ શાહ છે.

પીઆઈ એમ.એચ.પુવારે જણાવ્યું હતું કે, આરોપી સુરેશ શાહની પૂછપરછમાં તેના ભાઈ મુકેશે ઠગાઈની યોજના બનાવી હતી. મુકેશ આ ગુનામાં મુખ્ય આરોપી છે. (Image Caption: ડાબેથી સુરેશ, કળશ અને મુકેશ)