Gujarat Exclusive > The Exclusive > ઇકોનોમી માટે ખરાબ સમાચારઃ સળંગ બીજા ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ ઘટ્યો

ઇકોનોમી માટે ખરાબ સમાચારઃ સળંગ બીજા ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ ઘટ્યો

0
62
  • અર્થતંત્રની ખરાબ સ્થિતિનો ચિતાર આપતા એડવાન્સ ટેક્સના આંકડા
  • કોરોનાને રોકવા સમગ્ર દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનથી કર આવક ઘટી
  • એડવાન્સ ટેક્સમાં પ્રથમ ક્વાર્ટરમાં 76 ટકા અને બીજામાં 31 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ સળંગ બીજા ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ(advance tax)ની વસૂલાતમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારની કુલ કર આવક ચાલુ વર્ષમાં 25 સપ્ટેમ્બર સુધી 2,53,532.3 કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 22.5 ટકાનો ઘટાડો દર્શાવે છે.

આવકવેરા વિભાગના મુંબઈ વર્તુળના સૂત્રના જણાવ્યા મુજબ ગયા વર્ષે 15 સપ્ટેમ્બર 2019 સુધીમાં કુલ કર આવક 3,27,320.2 કરોડ હતી. આ આંકડો પણ છેલ્લો નથી, કેમકે આગામી દિવસોમાં બેન્ક દિનના અંત સુધી તેમા ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થશે : ફિચ

જૂનમાં ખતમ થયેલા પ્રથમ ક્વાર્ટરમાં આવકવેરાની કુલ આવક 31 ટકા ઘટી હતી. આ દરમિયાન એડવાન્સ ટેક્સ (advance tax)વસૂલાતમાં 76 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો. કોરોના વાઇરસને રોકવા માટે સમગ્ર દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો.

અર્થતંત્રમાં મંદીનો સંકેત આપે છે એડવાન્સ ટેક્સના આંકડા

કહેવાય છે કે એડવાન્સ ટેક્સ(advance tax)ના આંકડા અર્થતંત્રની સ્થિતિનો સંકેત આપે છે. તેથી આ આંકડા જેટલા સારા હોય તેટલું અર્થતંત્ર સારુ હોય તેમ માનવામાં આવે છે. આ આંકડા જેટલા ખરાબ હોય તેટલી અર્થતંત્રની સ્થિતિ ખરાબ હોય તેમ મનાય છે. એડવાન્સ ટેક્સ(advance tax)માં પ્રથમ ક્વાર્ટરના 76 ટકાના ઘટાડાની તુલનાએ બીજા ક્વાર્ટરમાં 31 ટકાનો ઘટાડો દર્શાવે છે કે અર્થતંત્ર તળિયાથી ઉચકાયુ છે, પરંતુ હજી તે એટલું ઉચકાયું નથી કે મંદીમાંથી બહાર આવી જાય.

આ પણ વાંચોઃ Toyotaનો બળાપો; ભારતમાં ટેક્સ વધુ હોવાથી અહીં બિઝનેસ નહીં વધારે

આ સિવાય અવિરત ધોરણે જારી રહેલા કોરોનાના લીધે રાજ્યો દ્વારા અને સ્થાનિક કોર્પોરેશનો દ્વારા જુદા-જુદા સ્તરે લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. તેની પણ વિપરીત અસર એડવાન્સ ટેક્સ(advance tax)ના પર જોવા મળી રહી છે. કેન્દ્રએ સૂચના આપી છે કે તેની સલાહ વગર લોકડાઉન ન લગાવવુ, પરંતુ રાજ્યો તેનું પાલન કરી રહ્યા નથી.

કેટલાક રાજ્યો ઉધારના વિકલ્પના વિરોધમાં

કેટલાક રાજ્યોએ જીએસટીની આવકમાં ઘટને પહોંચી વળવા માટે કેન્દ્રની પ્રસ્તાવિત ઉધાર યોજના સામે વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર દ્વારા તેમને કહેવાયું છે કે બેમાથી એક વિકલ્પ પસંદ કરે. નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ જાણકારી આપી હતી.

કેન્દ્રએ ગયા મહિને રાજ્યોને બે વિકલ્પ આપ્યા છે. તેમા એક વિકલ્પ રિઝર્વ બેન્કની વિશેષ વિન્ડોની સગવડ હેઠળ તે 97,000 કરોડ રૂપિયા ઉધાર લે અથવા તો બજારમાંથી 2.35 લાખ કરોડ રૂપિયોનું ઋણ મેળવે.

આ પણ વાંચોઃ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં GSTની આવકમાં 10,454 કરોડનો ઘટાડો

ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોએ બંને વિકલ્પો સામે વાંધો ઉઠાવ્યો છે. આ રાજ્યોને બેમાંથી એક વિકલ્પ અપનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

એક બીજા સવાલના જવાબમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 31 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના બાકી જીએસટી એપ્રિલથી જુલાઈના સમયગાળામાં 1,51,365 કરોડ રૂપિયા હતો.