Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા આજે શહીદ આરીફને આન બાન શાનથી વિદાય આપશે

વડોદરા આજે શહીદ આરીફને આન બાન શાનથી વિદાય આપશે

0
646

‘વતનકી શાન હૈં, વતનકી જાન હૈં, દેશકી પહેચાન હૈં’ ની લાગણી સાથે તમામકોમના હજારો માનવો એરપોર્ટ પર શહીદ આરિફ પઠાણને હૃદયાંજલિ અર્પણ કરવા એકત્રિત થયા હતા. રાતે ૯.૩૭ કલાકે શણગારેલા મિલીટરી વાહનમાં વીર શહીદનો નશ્વરદેહ એરપોર્ટ સંકુલની બહાર લાવવામાં આવ્યો ત્યારે નગરજનોની આંખોમાંથી ગંગા-જમના વહી હતી.

શહીદને સન્માન આપવા માટે એટલા બધા શહેરીજનો ઉમટ્યા હતા કે, એરપોર્ટ રોડ પર આખો ખીચોખીચ ભરાઇ ગયો હતો. રસ્તામાં પણ વંદેમાતરમ્, ભારત માતા કી જય જેવા સૂત્રોચ્ચાર લોકો પોકારતા હતા. એરપોર્ટનું પાર્કિંગ પણ ફુલ થઇ ગયું હતું.

કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષાકાજે શહીદ થયેલા મહંમદ આરીફનો પાર્થિવ દેહ દિલ્હીથી ઇન્ડિગો ફ્લાઇટમાં આર્મી દ્વારા રાત્રે લાવવામાં આવ્યો હતો. શહીદ મહંમદ આરીફને શ્રદ્ધાંજલિ આપવા રાત્રે 7 વાગ્યાથી જ હજારો લોકોએ તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે ભેગા થવાનું શરૂ કરી દીધું હતું.શહીદ આરીફની આજે દફન વિધિ કરવામાં આવશે.

રાત્રે સાડા આઠ વાગ્યાથી જ એકત્ર થયેલા હજારો લોકોએ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, જબ તક સુરજ ચાંદ રહેગા, આરીફ તેરા નામ રહેગા, વંદે માતરમ જેવા સૂત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મુક્યું હતું. એરપોર્ટ પરિસર ખાતેના 100 ફૂટ ઊંચા ત્રિરંગા પાસેના શહીદ સ્મારક પાસે 9.25 મિનિટે આર્મીના વાહનમાં શહીદનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો ત્યારે ‘દેખો દેખો કૌન આયા, શેર આયા શેર આયા’ સૂત્રો લલકાર્યા હતા. ત્યારબાદ આર્મીના જવાનો દ્વારા તેમને લશ્કરી સન્માન વિધિ રેથલિંગ યોજવામાં આવી હતી. શહીદ મહંમદ આરીફને શ્રદ્ધાંજલિ આપવા માટે મેયર ડો. જિગિશાબહેન શેઠ, સાંસદ રંજનબહેન ભટ્ટ,,ધારાસભ્ય અને મંત્રી યોગેશ પટેલ, જિતેન્દ્ર સુખડિયા, મધુ શ્રીવાસ્તવ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, તથા કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

શહીદ મહંમદ આરીફના પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લવાયા બાદ શહીદ સ્મારક પાસે મૂકાયો હતો. જ્યાં વિરોચિત સન્માન અપાયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને એસએસજીના કોલ્ડરૂમમાં લઇ જવામાં આવ્યો હતો. આ માટે બપોરે જ મકરપુરા એરફોર્સના અધિકારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે આવીને કોલ્ડરૂમ અને વાહન ક્યાંથી એન્ટ્રી લેશે તેની ચકાસણી કરી ગયા હતા.

શહીદ આરિફ પઠાણને શ્રધ્ધાસુમન અર્પવા માટે ધારાસભ્ય ગ્યાસઉદ્દિન શેખ(દરિયાપુર), ઇમરાન ખેડાવાલા(જમાલપુર)તેમજ કદીર પિરઝાદા(વાંકાનેર)પણ વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા. શહેર કોંગ્રેસના અગ્રણી ભથ્થુભાઇ તેમજ પ્રશાંત પટેલ સહિત વિવિધ રાજકિય પક્ષના અગ્રણીઓ સાથે વિવિધક્ષેત્રના મોભીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર રાજ્યભરમાં બનાવશે નવી હોસ્ટેલો