Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયના ડોક્ટરો જ કોરોનાથી અસુરક્ષિત,તો પ્રજા કોને ભરોસે?

રાજયના ડોક્ટરો જ કોરોનાથી અસુરક્ષિત,તો પ્રજા કોને ભરોસે?

0
48
  • ફ્રન્ટલાઇન વોરિયર કહેવાતા રાજયના 160 ડોક્ટરો કોરોનાના સંકજામાં

  • તબીબી આલમમાં ચિંતાનું મોજુ

અમદાવાદઃ રાજયમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોના સામે લડતા તેના ફ્રન્ટલાઇન વોરિયર કહેવાતા 160 જેટલા ડોક્ટરો અમદાવાદ અને રાજકોટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમા અમદાવાદની એસવીપી અને એલજી હોસ્પિટલમાં એક સાથે 60 જેટલા ડોક્ટરો પોઝિટિવ આવતા તમામ ડોક્ટરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.કોરોના સામેના જંગમાં ડોક્ટરો મુખ્ય આધાર છે. હવે જો આ ફ્રન્ટલાઇન વોરિયર્સ પોતે જ કોરોનાગ્રસ્ત બની જાય તો કોરોનાને નાથવો વધારે અઘરો બનશે.

અમદાવાદના કોરોનાનો કહેર સામાન્ય પ્રજા સુધી જ સિમિત ન રહેતા કોરોનાના સમયમાં સામાન્ય પ્રજા જેના આશરે છે તે સરકારી હોસ્પિટલોના ડોક્ટરો સુધી લંબાયો છે.

આમ કોરોના સામે લડતા ડોક્ટરોનુ સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે તે દાવા પોકળ નીવડ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલત સરકારી કોવિડ હોસ્પિટલોમાં કુલ 64 જેટલા ડોક્ટરો જ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા કોરોનાની સારવાર કરતા તબીબી આલમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

કોર્પોરેશને બધાની હેલ્થ સુધારતા ડોક્ટરોનું કોરોના ટેસ્ટિંગ કરતાં આ વાત બહાર આવી હતી.

સરકારી હોસ્પિટલોના એક સાથે 64 ડોક્ટર કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવતા સરકારી હોસ્પિટલોના બાકીના ડોક્ટરો અને બીજી ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરી રહેલા ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ ભયભીત થઈ ઉઠ્યો છે.

આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 31 કોરોના પોઝિટિવ

કોરોનાનો ચેપ બનેલા દર્દીઓને જીવન પૂરુ પાડનારા ડોક્ટરો પોતે જ કોરોનાનો ભોગ બનતા કોરોના સામે હાલમાં જંગે ચઢેલી સરકારની હેલ્થકેર સિસ્ટમ ખોડંગાવાનો ડર ઊભો થયો છે. સરકાર દ્વારા હવે રેલવે સ્ટેશનોથી લઈને બસ સ્ટેન્ડો અને જાહેર સ્થળો, ઓફિસો વગેરે સ્થળોએ કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આ સંજોગોમાં આ પરીક્ષણ કરી રહેલા ટેસ્ટિંગ સ્ટાફને પણ પોતાની સલામતીને લઈને ડર લાગવા માંડ્યો છે.

બધાને આશ્ચર્ય એ છે કે સરકાર સમગ્ર રાજ્યમાં દરેકનું ટેસ્ટિંગ કરતી હતી તો પછી તેની પોતાની જ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોનું ટેસ્ટિંગ કરાવવાનું તેને સૂઝ્યુ કેમ નહી. શું સરકારી તબીબ હોવુ ગુનો છે. સરકારી તબીબોના આરોગ્ય પ્રત્યે સરકારે આટલી નિષ્કાળજી લેવાની.

તેથી સરકારી તબીબોને કોરોનાના દર્દીઓની સારવારમાં પૂરતા પ્રમાણમાં પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવતી નથી તે બાબત હકીકત બનીને હવે બહાર આવી છે. સરકારની આ બેદરકારી અને નિષ્કાળજીનો ભોગ સામાન્ય પ્રજા તો બને જ છે, પરંતુ હવે સરકારી ડોક્ટરો પણ બન્યા છે. કદાચ એકસાથે આટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું આ પ્રથમ વખત બન્યું હતું.

આ પણ વાંચો: ભારતમાં મોતના આંકડામાં ફુગાવો, છેલ્લાં 2 સપ્તાહમાં સૌથી વધારે મૃત્યુ કોરોનાથી

સરકારી હોસ્પિટલોમાં કોરોનાનો ભોગ બનેલા 64 ડોક્ટરોમાં 26 એસવીપીના, એલજી હોસ્પિટલમાં 30 અને શારદાબેન હોસ્પિટલના આઠ ડોક્ટરો છે. કોરોના પોઝિટિવ થનારા મોટાભાગના ડોક્ટરો રેસિડેન્ટ ડોક્ટરો છે.

સરકાર પોતે દાવો કરી રહી છે કે તેના દ્વારા સમયાંતરે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરનારા ડોક્ટરોના કોરોના પોઝિટિવ રિપોર્ટ કઢાવવામાં આવતા હોય છે તો પછી આટલા ડોક્ટરો એકસાથે કોરોનાનો ભોગ કેવી રીતે બન્યા, તો પછી આ પ્રકારના ટેસ્ટમાં ક્યાં ચૂક થઈ. સી.આર. પાટિલના કેસમાં થયું હતું તો તેવું તો નથી ને. એન્ટિજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ ન આવ્યો અને પછીના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો.

વાત હવે ફક્ત આ ડોક્ટરો પૂરતી જ નહી રહે. તેઓના સગાસંબંધીઓને પણ હવે તેમની સાથે ક્વોરેન્ટાઇન થવુ પડશે. કદાચ જો તેઓ હોસ્પિટલના નજીકના વિસ્તારમાં રહેતા હશે તો પછી આ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવશે. સરકારી હોસ્પિટલના ડોક્ટરોને થયેલા કોરોનાની સાથે આ હોસ્પિટલોમાં સારવારના મોરચે સબ સલામત હોવાની વાતના ચીંથરા ઉતરી ગયા છે.

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે

કોઈપણ વિચારે કે જો સરકારી હોસ્પિટલોમાં કામ કરનારા ડોક્ટરો જ કોરોનાથી સલામત ન હોય તો પછી ત્યાં રહેલા કોરોના દર્દીઓનું શું. તેઓ ત્યાંથી ખરેખર જીવતા પરત આવે તેની ખાતરી શું. ડોક્ટરોની સલામતીની જો કોઈને પડી ન હોય તો પછી ત્યાં જનારા સામાન્ય દર્દીની કેવી સ્થિતિ હશે તે હવે બધા સમજી શકે છે. તેના કારણે જ કોરોનાની સારવાર માટે લોકો ખાનગી હોસ્પિટલોમાં દોટ માંડે છે.

રાજકોટમાં ડોક્ટરો કોરોનાગ્રસ્ત થવાના વધી રહેલા મામલાના પગલે રાજકોટ આઇએમએના પ્રમુખ ડો. જય ધીરવાણીએ રાજકોટના બધા તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.